દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તિહાડ જેલથી દેશના નામે પત્ર લખ્યો છે. આ પત્રને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ટ્વિટર પર શેર કર્યો છે. મુખ્યમંત્રી કેજરીવાલે મનીષ સિસોદિયાના પત્રને ટ્વીટ કરતા લખ્યું, ‘ભાજપ લોકોને જેલમાં મોકલવાની રાજનીતિ કરે છે, અમે બાળકોને ભણાવવાની રાજનીતિ કરીએ છીએ. જેલ મોકલવા સરળ છે, બાળકોને ભણાવવા મુશ્કેલ. રાષ્ટ્ર શિક્ષણથી આગળ વધશે, જેલ મોકલવાથી નહીં.
મનીષ સિસોદિયાએ પોતાની ચિઠ્ઠીનું શીર્ષક ‘શિક્ષણ, રાજનીતિ અને જેલ’ લખ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીના શિક્ષણ મંત્રીના રૂપમાં કામ કરતા ઘણીવાર તે સવાલ મનમાં ઉઠે છે કે દેશ અને રાજ્યની સત્તા સુધી પહોંચેલા નેતાઓએ દેશના દરેક બાળકો માટે શાનદાર સ્કૂલ અને કોલેજની વ્યવસ્થા કેમ ન કરી?
મનીષ સિસોદિયાએ પત્રમાં બીજું શું લખ્યું?..તે જાણો.. તેમણે પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, “આખા દેશમાં એકવાર જો સમગ્ર રાજનીતિ અને શરીર-મન-ધન શિક્ષણના કામમાં લાગી ગયું હોત તો આજે આપણા દેશના દરેક બાળક પાસે વિકસિત દેશોની જેમ શ્રેષ્ઠ શાળાઓ હોત. તો પછી સફળ રાજનીતિએ હંમેશા શિક્ષણને બાજુ પર કેમ રાખ્યું છે?આજે જ્યારે હું થોડા દિવસ જેલમાં છું ત્યારે મને આ પ્રશ્નોના જવાબો જાતે જ મળી રહ્યા છે.હું જોઈ શકું છું કે જ્યારે રાજકારણમાં સફળતા જેલ ચલાવીને જ મળે છે. શાળા ચલાવીને કોઈને રાજનીતિની જરૂર કેમ લાગશે?”
સિસોદિયાએ ત્રણ પેજનો પત્ર લખ્યો છે. તેમણે કહ્યું- આજે જરૂર જેલની રાજનીતિ સફળ થતી જોવા મળી રહી છે પરંતુ ભારતનું ભવિષ્ય સ્કૂલની રાજનીતિમાં છે, શિક્ષણની રાજનીતિમાં છે. ભારત વિશ્વગુરૂ બનશે તો એટલા માટે નહીં કે જેલોની આટલી તાકા છે, પરંતુ તેના દમ પર કે અહીંના શિક્ષણમાં કેટલી તાકાત છે. ભારતની આજની રાજનીતિમાં જેલની રાજનીતિનું પલડું ભારે જરૂર છે પરંતુ આગળના સમયમાં શિક્ષણની રાજનીતિનું હશે.
જણાવી દઈએ કે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણીના એક દિવસ પહેલા ગુરુવારે EDએ 2021-22ના દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં પણ તેમની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે EDએ દિલ્હીની 2021-22ની એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓની તેની મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે તિહાર જેલમાં કલાકો સુધી સિસોદિયાની પૂછપરછ કર્યા પછી ધરપકડ કરી હતી.
