રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૯૬૨.૧૨ સામે ૫૯૧૩૬.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૯૧૦૯.૫૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૫.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૮.૯૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૪૧૧.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૦૩.૪૦ સામે ૧૭૪૩૩.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૧૭.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૨.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૯.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૩૨.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મંદીના એક તરફ ફફડાટ અને ફુગાવાને લઈ સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં વૃદ્વિ ચાલુ રહેવાના નેગેટીવ પરિબળ સામે ભારતમાં જાન્યુઆરીનો કોર ક્ષેત્રનો વૃદ્વિ દર ડિસેમ્બરમાં વધીને ૭.૮% જાહેર થયા છતાં એપ્રિલ થી જાન્યુઆરીમાં કેન્દ્રની રાજકોષીય ખાધ વધીને રૂ.૧૧.૯૧ લાખ કરોડ થવાના નેગેટીવ પરિબળ અને જીડીપી વૃદ્વિ ઘટીને ૪.૪% આવતાં આજે શરુઆતી તબક્કામાં સાવચેતી જોવા મળી હતી, જો કે આ નેગેટીવ પરિબળો સામે અદાણી ગ્રુપ દ્વારા વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પુન:પ્રસ્થાપિત કરવા હોંગકોંગ ખાતે ઈન્વેસ્ટરોની સાથે મીટિંગ યોજાયાના અને ગ્રુપ દ્વારા શેરો સામેની ૭૯ કરોડ ડોલર સુધીની લોનોની માર્ચ સુધીમાં ભરપાઈ કરી દેવાની યોજનાના અહેવાલો વહેતા થતાં આજે અદાણી શેરોમાં ભારે લેવાલી નોંધાતા તેમજ ફંડો દ્વારા સતત વેચવાલી બાદ આજે નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વધેલા ઘર્ષણને લઈ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન છતાં આજે સ્થાનિક સ્તરે સાનુકુળ અહેવાલોએ બીએસઈ સેન્સેક્સ ૪૪૮ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૨૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, કમોડિટીઝ, આઈટી, ટેક, ઈન્ડસ્ટ્રિયલ્સ, બેન્કેક્સ, એનર્જી, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૫૧ અને વધનારની સંખ્યા ૨૪૪૪ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ડીસેમ્બર ત્રિમાસિકનો આર્થિક વિકાસ દર ૫%થી નીચે રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના ડીસેમ્બર ત્રિમાસિકનો આર્થિક વિકાસદર ૪.૪% નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન આ દર ૧૧.૨% હતો. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૬.૩% જીડીપી વૃદ્ધિદર નોંધાયો હતો. મંદ માંગ તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારાને કારણે આર્થિક વિકાસ દર પર અસર જોવા મળી રહી છે, ઉપરાંત વિકાસદરમાં ઘટાડાનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પરિણામો છે. દરમિયાન એશિયન ડેવલપમેન્ટ બેન્કે ભારતનું અર્થતંત્ર ૭% તથા આઇએમએફે ૬.૮%નો વિકાસદર નોંધાવશે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો. તેમજ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે દેશના આર્થિક વિકાસનું અનુમાન ૮.૭%થી સુધારીને ૯.૧% કરવામાં આવ્યું છે.
ગયા વર્ષના મેથી રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં આક્રમક વધારો કરી રહી છે. છેલ્લા દસ મહિનામાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૨.૫૦% વધારી ૬.૫૦% લઈ ગઈ છે. ફુગાવાને નીચે લાવવા વ્યાજ દરમાં વધારો કરાયો છે. ફુગાવો હજુપણ ઊંચો છે, ત્યારે આગામી બેઠકોમાં પણ વ્યાજ દર વધવાની શકયતા નકારાતી નથી. ઊંચા વ્યાજ દરને કારણે માગ મંદ પડતા વેપાર પ્રવૃત્તિઓ પર તેની અસર જોવા મળી રહી છે, વેપાર પ્રવૃત્તિના સંકેત આપતા હાઈ ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ પણ મજબૂત જણાતા નથી. દેશના માલસામાનની નિકાસ માંગ પણ તાજેતરના મહિનાઓમાં ધીમી પડી છે, જેની સીધી અસર ઉત્પાદન ક્ષેત્ર પર પડી છે. વિશ્વની અનેક કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં વધારો કરાતા તેને કારણે વિદેશોમાં માંગ ઘટી રહી છે.
