Home દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં આત્મઘાતી હુમલામાં ભારે વધારો

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનામાં આત્મઘાતી હુમલામાં ભારે વધારો

68
0

પાકિસ્તાનમાં દરરોજ આતંકી હુમલા થાય છે. છેલ્લા કેટલાક મહિનામાં આત્મઘાતી હુમલામાં પણ ભારે વધારો થયો છે. જેના કારણે સંકટગ્રસ્ત પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. પાડોશી દેશના વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકરે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ આ હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે. હવે તાલિબાને પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાને પોતાની સમસ્યાઓ જાતે જ હલ કરવી જોઈએ.. વર્ષ 2021માં અમેરિકાએ પોતાના સૈનિકોને પાછા ખેંચ્યા બાદ અફઘાનિસ્તાન પર તાલિબાનો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે પાકિસ્તાને નવા તાલિબાન શાસનનું સ્વાગત કર્યું હતું. હવે જ્યારે પોતાના જ દેશમાં આતંકવાદી અને આત્મઘાતી હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન સરકાર તાલિબાન શાસનને દોષી ઠેરવી રહી છે. આજે તાલિબાન પાકિસ્તાન માટે ગળામાં ફાંસો બની ગયો છે. પાકિસ્તાનનું માનવું છે કે જ્યારથી અફઘાનિસ્તાન સત્તામાં આવ્યું છે ત્યારથી પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલા વધી ગયા છે.. પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકરે રાજધાની ઈસ્લામાબાદમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા છે ત્યારથી પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓ વધી ગયા છે. આ માટે તેમણે આંકડા પણ રજૂ કર્યા અને કહ્યું કે આતંકવાદી હુમલામાં 60 ટકા અને આત્મઘાતી બોમ્બ ધડાકામાં 500 ટકાનો વધારો થયો છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકી સેના દ્વારા છોડવામાં આવેલા હથિયારોનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે….. પાકિસ્તાની પીએમે વધુમાં કહ્યું કે અમને આશા હતી કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત થશે. પાકિસ્તાન વિરોધી જૂથો, ખાસ કરીને તહરીક-એ-તાલિબાન (TTP) સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ કંઈ થયું નહીં. છેલ્લા બે વર્ષમાં TTP હુમલામાં 2,267 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા છે.. પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન અનવારુલ હક કાકરે વધુમાં કહ્યું, ‘આ સમયગાળા દરમિયાન આત્મઘાતી હુમલામાં 15 અફઘાન નાગરિકો પણ સામેલ હતા. આ સિવાય અત્યાર સુધીમાં 64 અફઘાન નાગરિકો પાકિસ્તાનની કાયદા અમલીકરણ એજન્સીઓ સામે લડતા માર્યા ગયા છે.અફઘાન સરકાર આ હુમલાઓથી સંપૂર્ણ રીતે વાકેફ હતી પરંતુ તાલિબાન તરફથી ખાતરી આપવા છતાં તહરીક-એ-તાલિબાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.. પાકિસ્તાન સરકારના આરોપોનો જવાબ આપતા તાલિબાને કહ્યું, ‘પાકિસ્તાને પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. અમને મધ્યમાં ખેંચવાની જરૂર નથી. પાકિસ્તાનમાં શાંતિ જાળવવી એ અમારું કામ નથી.’ તાલિબાને વધુમાં કહ્યું કે, ‘અમારી જીત બાદ પાકિસ્તાન સરકારની અંદર અસુરક્ષાની લાગણી વધી છે પરંતુ ઈસ્લામિક અમીરાત હુમલા પાછળ નથી. અફઘાનિસ્તાનમાં તમામ હથિયારો સુરક્ષિત છે. અહીં હથિયારોની દાણચોરી પર પ્રતિબંધ છે.. તાજેતરમાં, પાકિસ્તાનમાં મોટા આત્મઘાતી હુમલાઓ થયા હતા, જેમાં પંજાબ પ્રાંતમાં મિયાંવાલી ટ્રેનિંગ એર બેઝ અને ગ્વાદરમાં ઓચિંતો હુમલાનો સમાવેશ થાય છે. એરબેઝ હુમલાની જવાબદારી તહરીક-એ-જેહાદે લીધી હતી અને બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટે ગ્વાદર હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here