પાટણ શહેરનાં શ્રીદેવ કોમ્પલેક્ષમાં આવેલી એક્સિસ બેંકની શાખાનાં સેલ્સ ડીપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા એક અધિકારીએ તેમને સોંપાયેલી બેંકર તરીકેની ફરજ દરમ્યાન તા. 4-7-22નાં રોજ બેંકમાંથી ડીમાન્ડ ડ્રાફ્ટ નં. 360950ની ચોરી કરી લઇ જઇને તેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ નામનો રૂા.1,01,560ની રકમ ભરીને તેનો ચુકવણી માટે ઉપયોગ કરીને બેંકનાં કર્મચારી તરીકે બેંક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. તેવો આક્ષેપ કરતી ફરિયાદ પાટણની એકસીસ બેંકની પાટણ બ્રાંચનાં મેનેજર તથા આસિસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ તુષાર પ્રકાશચંદ્ર બારોટ રે. વિસનગરવાળાએ નોંધાવતાં પાટણ બી-ડીવીઝન પોલીસે ઉપરોક્ત આરોપી પિયુષ તપોધન સામે આઇ.પી.સી. 381,409 મુજબ ગુનો નોંધ્યો હતો.
આ ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે, તા. 4-7-22નાં રોજ પાટણની એક્સીસ બેંકની શાખામાં કસ્ટોડીયન તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ મેનેજર વૈભવ માખિજાનાં હસ્તક રહેતા બેંકનાં ડીમાન્ડ ડ્રાફ્ટમાંથી ડી.ડી.નં.360950નો ગુમ થયો હોવાની જાણ બ્રાંચ મેનેજરને તેમણે કરતાં બેંકનાં ડી.ડી. રજિસ્ટરની ઓનલાઇન એન્ટ્રી તેમજ મેન્યુઅલી તપાસ કરતાં ઉપરોક્ત નંબરનો ડી.ડી. બેંક દ્વારા કોઇને પણ ઇસ્યુ કરેલો ન હોવાથી આ ડી.ડી. ગુમ થયેલા જણાતા કોઇના દ્વારા આ ડી.ડી.નો દુરુપયોગ ન થાય તે માટે મેનેજરે બેંકની ઓનલાઇન સિસ્ટમમાં બેંકનો ઉપરોક્ત ગુમ થયેલો ડી.ડી. ઇન્વેન્ટરી આઇ.ડી.થી સ્ટોપ કર્યો હતો.
ત્યારબાદ તા. 15-7-2022નાં રોજ એકસીસ બેંકનો થયેલ ડી.ડી. કોઇ ગ્રાહક દ્વારા જી.ઇ.બી. પાટણમાં ભરવામાં આવેલ હોવાનું જાણવા મળતાં મેનેજરે પાટણ ખાતે વીજ કંપનીમાં આ ડી.ડી. આપનાર ગુમ ગ્રાહક બાબતે તપાસ કરતાં જાણવા મળેલું કે, દિલીપ દેસાઇ નામનાં ગ્રાહક દ્વારા આ ડી.ડી. રજુ કરવામાં આવ્યું હતું.જેથી મેનેજરે આ ગ્રાહક દિલીપભાઇને બેંકમાં બોલાવ્યા હતા અને તેઓની પાસે આ બેંકનો ડી.ડી. ક્યાંથી અને કેવી રીતે આવેલ ? તે અંગે પૂછતાં તેઓએ મેનેજરને જણાવેલ કે, પાટણની આ એક્સીસ બેંકમાં સેલ્સ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કર્મચારી પિયુષભાઇ દ્વારા આ ડી.ડી. આપવામાં આવેલો છે.
જેથી મેનેજરે બેંકનાં કર્મચારી પિયુષભાઇને આ ડી.ડી. બાબતે પૂછતાં તેઓએ મેનેજર સામે કબૂલાત કરી હતી કે, તેમણે (પિયુષભાઇ)એ ગ્રાહક દિલીપભાઇ પાસેથી રૂા. બે લાખનો ચેક એકાઉન્ટ ઓપનીંગ માટે લીધેલી હોવાથી જે ચેકની રકમ પિયુષભાઇએ દિલીપભાઇનાં એકાઉન્ટમાં ભરેલ નહોતી અને પોતાનાં અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હતા. જેથી પોતાને દિલીપભાઇને રૂા. 2 લાખ આપવાનાં નિકળતા હોઇ તેમાંથી રૂા. 1,00,000 પરત આપી દીધા હતા ને બાકીનાં એક લાખ રુપિયા આપવાનાં નિકળતા હોવાથી પોતાની પાસે રૂપિયાની સગવડ ન હોવાથી તા. 7-4-22નાં રોજ બપોરે પોતાની ફરજ દરમ્યાન જાતે બેંકનાં આસિસ્ટન્ટ મેનેજર વૈભવ માખીજાના ટેબલમાંથી આ ડી.ડી. નજર ચુકાવી લઇ લીધો હતો અને એ ડી.ડી.માં પોતે પોતાનાં હસ્તાક્ષરથી પાટણની ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ નામનો રૂ।.1,01,560ની રકમ ભરીને તેનો ચુકવણી માટે ઉપયોગ કર્યો હતો તેમ જણાવ્યું હતું.
