બ્રિટનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભારતીય વિદ્યાર્થીએ નશામાં ધૂત એક મહિલાને તેના ફ્લેટમાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. બીબીસીના અહેવાલ મુજબ આ ભારતીય વિદ્યાર્થીનું નામ પ્રીત વિકલ છે. તેની ઉંમર ૨૦ વર્ષ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ચોંકાવનારી ઘટના કાર્ડિફની છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિકલ એક નશામાં ધૂત મહિલાને બાંહોમાં લઈને તેને ક્યાંક લઈ જઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ૨૦ વર્ષીય વિકલે કહ્યું કે તેણે મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં તેને છ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી છે. પીડિત મહિલાએ જણાવ્યું કે તે પ્રીત વિકલને ત્યારે મળી હતી જ્યારે તે તેના મિત્રો સાથે નાઈટ આઉટ પર ગઈ હતી. તેણીએ કહ્યું કે ગયા વર્ષે જૂનમાં બનેલી આ ઘટના પછી તે ઉંઘી શકી ન હતી. તેણે જણાવ્યું કે નાઈટ આઉટ દરમિયાન તે તેના મિત્રોથી અલગ થઈને તેના ઘરે જવા લાગી ત્યારે વિકલે તેને પકડી લીધી હતી. આ પછી તે તેને નોર્થ રોડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. સાઉથ વેલ્સ પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજના કારણે જ પ્રીત વિકલની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી. તેઓએ કહ્યું કે કાર્ડિફમાં આવા હુમલા અત્યંત અસામાન્ય છે, પરંતુ પ્રીત વિકલે એક નશામાં ધૂત અને ર્નિબળ મહિલાનો લાભ લીધો હતો, જે તેના મિત્રોથી અલગ થઈ ગઈ હતી.
