પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જગમોહન બંસલે મોટી ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જગમોહન બંસલે છોકરીને ઘરેથી ભાગીને લગ્ન કરવાના કેસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ કોઈ કરાર નથી પરંતુ બે પરિવારોનું મિલન છે, પોતાની મરજીથી લગ્ન એ કોઈ પણ પ્રકારનો કરાર નથી. ભારતમાં આ નવી વસ્તુ નથી પરંતુ તે ઇતિહાસ સાથે જોડાયેલ છે. રામાયણ અને મહાભારત કાળમાં પણ તેનો ઉલ્લેખ છે.
વધુ ટિપ્પણી કરતા જસ્ટિસ જગમોહન બંસલે કહ્યું કે રામાયણ અને મહાભારત કાળમાં સ્વયંવર એ પણ પોતાની મરજીથી લગ્ન કરવાનું સૌથી મોટું ઉદાહરણ છે. વાસ્તવમાં, આ બધી વાતો જસ્ટિસ બંસલે મલોટના યુવક દ્વારા યુવતીનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કરવાના કેસમાં કહી હતી. યુવતીનું અપહરણ કરવા બદલ યુવક સામે અપહરણની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ જ યુવકે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેની સામે નોંધાયેલા કેસને ફગાવવા માટે અરજી કરી હતી.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે યુવકની અરજી પર સુનાવણી કરતા તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને ફગાવી દીધી છે. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવક અને યુવતી બંને પુખ્ત છે, આવી સ્થિતિમાં કોઈને તેમના અંગત જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી. કોઈ કાયદો તેમને પોતાની મરજી પર જીવન જીવતા રોકી શકે નહીં. જાન્યુઆરી 2019માં યુવતીના પિતાએ યુવક વિરુદ્ધ મલોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે યુવક તેની પુત્રીને ભગાડીને પોતાની સાથે લઈ ગયો હતો.
પરંતુ થોડા મહિના પછી ખબર પડી કે આરોપી યુવકે તેની પુત્રી સાથે લગ્ન કરી લીધા છે. બાદમાં અરજદાર અને યુવતીના લગ્ન 3 જુલાઈ, 2019ના રોજ શ્રી મુક્તસર સાહિબના ગુરુદ્વારામાં થયા હતા. અરજદારે પોતાના જીવન અને સ્વતંત્રતાના રક્ષણ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારના વકીલ, એડવોકેટ ઈમ્પિન્દર સિંહ ધાલીવાલે અન્ય બાબતોની સાથે એવી રજૂઆત કરી હતી કે અરજદારે 3 જુલાઈ, 2019ના રોજ ફરિયાદી (ફરિયાદીની પુત્રી) સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમને બે બાળકો છે.
