રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૬૦૫.૮૦ સામે ૫૯૮૫૯.૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૩૨૫.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૩.૪૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૧.૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૪૬૩.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૨૩.૦૦ સામે ૧૭૬૩૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૩.૭૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૫૯.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે એક તરફ યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન અને બીજી તરફ ચાઈના સાથે જાસૂસી બ્લુન મામલે તણાવ અને ક્રુડ ઓઈલમાં રશિયાના સપ્લાય અંકુશો સામે અમેરિકાએ તેના સ્ટ્રેટેજીક રિઝર્વમાંથી પુરવઠો વેચવાના લીધેલા નિર્ણય અને અમેરિકામાં ફરી મંદીના અંદાજોને લઈ આંતરરાષ્ટ્રીય મોરચે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહેતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. સ્થાનિક સ્તરે ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી થઈ રહી હોવા સામે લોકલ ફંડો, મ્યુચ્યુઅલ ફંડોની સતત ખરીદી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ ધીમો પડી રહ્યો હોઈ આગામી દિવસોમાં રોકાણ પ્રવાહ વધુ ધીમો પડવાની શક્યતાએ દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
કોરોના મહામારીની સાથે યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય – પુરવઠાની ચેઈનના પરિણામે ફુગાવા – મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરવાની ફરજ ઉપરાંત અમેરિકી રાષ્ટ્રપતી બાયડેનની એકાએક યુક્રેનની મુલાકાત અને યુક્રેન સહિતના દેશોમાં રશિયા અને ચાઈના સામે પ્રહારરૂપ જાસૂસી બલુનો તોડી પાડવાની ઘટના તેમજ નોર્થ કોરિયા દ્વારા ઈસ્ટ કોસ્ટમાં વધુ બે બેલાસ્ટિક મિસાઈલો છોડવાના કારણે ફરી વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન વધતાં બીએસઈ સેન્સેક્સ ૧૪૧ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૬૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૦.૦૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, યુટિલિટીઝ, પાવર, કમોડિટીઝ, આઈટી, ટેક, બેન્કેક્સ, ઓટો, એનર્જી અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૬૦ અને વધનારની સંખ્યા ૧૮૪૬ રહી હતી, ૧૮૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનો હિસ્સો ૧૫% રહેવાની શક્યતા છે. વર્ષ ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિમાં ભારત અને ચીનના યોગદાનની અપેક્ષા છે તેમ આઈએમએફના એશિયા અને પેસિફિક વિભાગના ડિરેક્ટરે જણાવ્યું હતું. આઈએમએફએ નાણાકીય વર્ષ ૨૪માં ભારતની અર્થવ્યવસ્થા ૬.૧%ના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે. બીજી તરફ ભારતીય રિઝર્વ બેંકે વિકાસ દર ૬.૪% રહેવાનો અંદાજ મૂક્યો છે. ભારતના વિકાસ સામેના પડકારો અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બાકીના વિશ્વની સરખામણીમાં સારી કામગીરી છતાં ફુગાવો મુખ્ય પડકાર રહેશે. મોંઘવારી ચિંતાનો વિષય છે. જ્યારે કોર ફુગાવો ઊંચો રહેશે, ત્યારે વ્યાજ દર ઊંચા રહેશે.
આવી સ્થિતિમાં, ઘરેલું માંગ ભારતના અર્થતંત્રમાં એક મોટો પડકાર રહેશે કારણ કે યુક્રેન યુદ્ધ અને પશ્ચિમી અર્થવ્યવસ્થામાં મંદીને કારણે બાહ્ય વાતાવરણ સુસ્ત છે. ૮ ફેબ્રુઆરીએ રિઝર્વ બેન્કે રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કરીને ૬.૫% કર્યો હતો. એકંદરે, રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો થયો હોવા છતાં, રિટેલ ફુગાવો જાન્યુઆરીમાં આરબીઆઈની ૬%ની ઉપલી મર્યાદાથી વધીને ૬.૫૨% થયો હતો. આના કારણે આગામી મહિનામાં દર વધુ વધશે તેથી ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
