Home દુનિયા યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી સંસદને કર્યું સંબોધન, કહ્યું “યુક્રેન હજુ જીવિત છે….”

યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકી સંસદને કર્યું સંબોધન, કહ્યું “યુક્રેન હજુ જીવિત છે….”

96
0

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ વોશિંગ્ટનમાં અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે ‘દુનિયાભરની બાધાઓ, પડકારો અને કયામત જેવા જોખમો અને નિરાશાના આ ગાઢ ઘૂમ્મસ છતાં યુક્રેન હજુ જીવિત અને દુશ્મનોને પૂરેપૂરી તાકાતથી ઠોકર મારી રહ્યું છે. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પોતાના પહેલા વિદેશ પ્રવાસ પર તાળીઓના ગડગડાટ વચ્ચે અમેરિકી સાંસદોને સંબોધતા ઝેલન્સ્કીએ એમ પણ કહ્યું કે અમેરિકી કોંગ્રેસમાં તમારી સાથે અને તમામ અમેરિકીઓ સાથે વાત કરવી એક મોટું સન્માન છે. અમારી અસ્મિતા પર હુમલો થયો છતાં યુક્રેને એવું કશું કર્યું નથી જેના કારણે તેણે દુનિયા આગળ શરમથી માથું ઝૂકાવવું પડે. યુક્રેન જીવિત છે અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. તમારા સમર્થન બદલ આભાર. આ જ તાકાતના દમ પર અમે કોઈથી ડરતા નથી.

ઝેલેન્સ્કીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે એક સંયુક્ત સંબોધન બાદ કોંગ્રેસના સભ્યોને સંબોધિત કરતા કહ્યું કે ‘યુક્રેને આક્રમણના પહેલા તબક્કાને જીતી લીધુ છે. રશિયન અત્યાચારે અમારા પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો છે. હવે આ લડાઈ રોકી કે પછી સ્થગિત કરી શકાય નહીં. આથી જ્યારે યુદ્ધ ચાલુ છે તો સમગ્ર દેશને સુરક્ષિત મહેસૂસ કરાવવા માટે અમે તૈયાર છીએ. તમારા તરફથી અત્યાર સુધી મળેલા પ્રેમ, સન્માન અને સહયોગ બદલ આભાર. યુક્રેન તમારી આ દરિયાદિલી ક્યારેય ભૂલશે નહીં. પોતાના સંબોધનમાં તેમણે યુક્રેન અને સંયુક્ત રાજ્ય અમેરિકાના સંયુક્ત મૂલ્યો ઉપર પણ પ્રકાશ ફેંક્યો. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘માનવતા વિરુદ્ધ ચાલી રહેલા આ યુદ્ધમાં અમે બંને દેશ સહયોગી છીએ.

આગામી વર્ષ ખુબ મહત્વનું છે. જે એક મહત્વપૂર્ણ વળાંકથી પસાર થશે, હું કહી શકું છું કે હવે યુક્રેનના સાહસ અને અમેરિકાના સંકલ્પે યુક્રેનની જનતાની સ્વતંત્રતાના ભવિષ્યની ગેરંટી પણ આપવી જોઈએ. એ લોકોની સ્વતંત્રતા જે પોતાના મૂલ્યો માટે અત્યાચાર સહન કરીને પણ અમારી સાથે ઊભા છે. રશિયાએ યુક્રેનના લોકો માટે આશાનો સંદેશ આપતા કહ્યું કે ‘રશિયાના લોકોએ બખમુત જેવા શહેરોમાં અમને ઝૂકાવવા માટે તમામ મર્યાદાઓ તોડી નાખી. પરંતુ યુક્રેને ક્યારેય આત્મસમર્પણ કર્યુ નહીં કે કરશે પણ નહીં. રશિયા દિવસ રાત યુદ્ધ અપરાધોને અંજામ આપી રહ્યું છે પરંતુ બખમુત પૂરી તાકાતથી ઊભુ છે. ગત વર્ષે ત્યાં 70000 લોકો રહેતા હતા. હવે ફક્ત ગણતરીના નાગરિકો બચ્યા છે. તે જમીનનો એક એક ખૂણો લોહીથી લથપથ છે. ડોનબાસમાં ભીષણ યુદ્ધ થયું. ત્યાં પણ અમારા સૈનિકો મજબૂતાઈથી ડટેલા છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here