ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. હાલમાં રવિન્દ્ર જાડેજા આઇપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સ તરફથી રમવામાં વ્યસ્ત છે. દિલ્હીમાં રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિવાબા જાડેજાની અચાનક વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જાેર પકડ્યું હતું. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ ટિ્વટર પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તમે અમારી માતૃભૂમિ માટે સખત મહેનત અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છો! મને ખાતરી છે કે તમે દરેકને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પ્રેરણા આપતા રહેશો.રિવાબા જાડેજા જામનગર ઉત્તરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેમને ૮૪૩૩૬ મત મળ્યા હતા.
