રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે. સતત બીજા દિવસે આતંક મચાવતા તસ્કરો હીરાના કારખાનમાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા હીરાના કારખાનમાંથી તસ્કરો રૂપિયા 8 લાખ રોકડ અને 12 હજાર રફ ડાયમંડની ચોરી કરી ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર તસ્કરો શટર તોડીને કારખાનામાં પ્રવેશ્યા હતા અને ગેસ કટરથી તિજોરી કાપીને રોકડ તેમજ હીરાની ચોરી કરી હતી. પોલીસના દાવા પ્રમાણે, કારખાનેદારે કર્મચારીઓનો પગાર કરવા માટે 8 લાખની રોકડ મૂકી રાખી હતી. અને રફ ડાયમંડ પોલિશ માટે લાવવામાં આવ્યા હતા. જોકે ડાયમંડ કેટલા રૂપિયાના છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસ તસ્કરોની પણ શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ ગોંડલની બે અલગ અલગ સોસાયટીમાં એકસાથે તસ્કરોએ કારના કાચ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. પંચશીલ સોસાયટીમાં એકસાથે પાંચથી છ કારના કાચ તૂટ્યાં હતા. તો રણછોડનગર સોસાયટીમાં પણ કારના કાચ તોડી ટેપની ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. તસ્કરો એકબાદ એક કારના કાચ તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે ફરાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
