મોરબીના સિરામિક સીટીમાં ફ્લેટમાં ચાલતાં સટ્ટટાના મોટા નેટવર્કને મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યો છે. જેમાં LCB પોલીસે આઠ સટ્ટોડીયાઓને ઝડપી પાડીને તેની પાસેથી 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ચેતન કિશોરભાઈ પલાણ અને આશિષ વાસવાણી સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન મારફતે ચેતન પલાણના મોરબીના લાલપર ગામ નજીક આવેલા સિરામિક સીટીમાં આવેલા એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 704માં ઓનલાઈન જુદી જુદી રમતો ક્રિકેટ, ફૂટબોલ, હોકી સહિતની રમતો પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે.
તેમજ હાલમાં ભારત શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિકેટ સીરીજની મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી સુધાનશું જગદીશભાઈ નાથાણી રહે-સિહોર બસ સ્ટેંડની બાજુમાં એમ.પી, આકાશ દિલીપભાઈ ગુનવાની રહે-બુરહાનપુર એમ.પી, સાગર રમેશભાઈ અડવાણી રહે-બુરહાનપુર એમ.પી, રોહિત પ્યારેલાલ મીણા રહે-મીટુખેડી જી.સિહોર એમપી, સંજય ગોપીલાલ લોઢી રહે-મઝહગવા એમ.પી, શેરુસિંગ જયસિંગ સૂર્યવંશી રહે-કાકરખેડા એમ.પી અને નીતેશ લક્ષમણસિંગ સેન રહે-ખજૂરીયાકલા એમ.પી ને ઝડપી પાડ્યાં હતા.
સટ્ટોડીયાઓ પાસેથી 5 લેપટોપ કીંમત રૂ.1,50,000, મોબાઈલ નંગ 15 કીંમત રૂ.75,000, રોકડ રકમ રૂ.5200 એમ કુલ મુદ્દામાલ કીંમત રૂ. 2,30,200 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ચેતન કિશોરભાઈ પલાણ રહે-મોરબી અને આશિષ વાસવાણી રહે-ભોપાલ હાજર મળીના આવતા તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
