સુરતના અડાજણ વિસ્તારમાં મનીષ સોલંકી પરિવાર 7 લોકોના સામુહિક આપઘાત મામલામાં રોજ નવા નવા વળાંક આવી રહ્યાં છે. આર્થિક સંકડામણ અનુભવતા પરિવારના મોભી મનીષ સોલંકીએ આ પગલુ ભર્યુ હતું. પરંતું તપાસમાં સામે આવ્યું કે, મનીષ સોલંકી દર મહિને જુદી જુદી બેંકમાં 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો હતો. ત્યારે પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, શું મનીષ સોલંકી બેંકના હપ્તો ભરવાના તણાવમાં રહેતો હતો કે શું. આ ઉપરાંત સુરત પોલીસે મનીષ સોલંકી અને સોલંકી પરિવારના અન્ય લોકોના નાણાંકીય વ્યવહાર માટે 10 સગા સબંધીઓના પણ નિવેદન લીધા છે. સામુહિક આપઘાત કેસની કડી શોધવા તમામ સભ્યોની કોલ ડિટેઈલ અને આર્થિક વ્યવહારની પણ તપાસ શરૂ કરાઈ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે બપોરે લગભગ 3 થી 4 કલાક સુધી પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું. સાત મૃતદેહો હતા. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બાકીના છ મૃતદેહોમાંથી, બેની ગરદન પર દબાણના નિશાન હતા, એટલે કે ગળું દબાવવામું આવ્યું હતું. બાકીના ચારનું ઓર્ગેનોકેમિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ ઝેર હોવાનું જણાય છે. જ્યારે તેનો રિપોર્ટ આવશે ત્યારે મૃત્યુની અંતિમ માહિતી આપવામાં આવશે. મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
