Home ગુજરાત હિંમતનગરના સીનીયર સીટીઝન એસોસિએશને 50 પ્લસના 28 દંપતીઓનું સન્માન કર્યું

હિંમતનગરના સીનીયર સીટીઝન એસોસિએશને 50 પ્લસના 28 દંપતીઓનું સન્માન કર્યું

125
0

હિંમતનગરમાં સીનીયર સીટીઝન એસોસિએશનના એક વિચારે 50 પ્લસના 28 દંપતીઓને વેડિંગ ખુરશી પર બેસાડી લગ્ન ગીતો વચ્ચે એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આ સાથે ફૂલહાર પેહરાવ્યા હતા. તો પરિજનોને તસ્વીર ખેચાવા મજબુર પણ કર્યા હતાં.1600 સભ્યો ધરાવતું હિંમતનગરના સીનીયર સીટીઝન એસોસિએશનનો એક વિચાર કે જેમણે 28 દંપતીઓને એક તરફ ઢબુકતા ઢોલ અને બીજી તરફ લગ્નગીતો વચ્ચે વેડિંગ ખુરશી પર બેસાડવાનો પ્રયાસ સફળ બનાવ્યો હતો. આ પ્રસંગ હતો અભિવાદન અને સન્માન કરવાનો પણ માહોલ જાણે કે લગ્નનો હોય તેવું લાગી રહ્યું હતું. હિંમતનગરના ઉમિયા માતાજીના મંદિરમાં 28 દંપતીઓ માતાજીના દર્શન કર્યા બાદમાં પરિજનો અને સભ્યો સાથે દંપતીઓ ઢોલના તાલે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું.

આ દંપતીઓ પરિજનો સાથે ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ઉમિયા માતાજીના મંદિરના સભાખંડમાં અભિવાદન અને સન્માન સમારંભમાં પ્રવેશ કરતા 28 દંપતીઓ પર પુષ્પવર્ષા કરી હતી. એક તરફ લગ્ન ગીતો ગવાતા હતા તો બીજી તરફ દંપતીઓ પર પુષ્પવર્ષા વર્ષા થઈ રહી હતી અને દંપતીઓને અલગ બેસાડવામાં આવ્યા હતા. દંપતીઓ આગળ અંતરપટ રાખવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર પૂર્ણ થતા અંતરપટ દુર થયો અને શરુ થયા લગ્નના ગીતો અને તે દરમિયાન એક પછી એક દંપતીઓ વેડિંગ ખુરશીઓ પર બેસ્યા હતા અને ગોળ વડે એક બીજાને મોં મીઠું કરાવ્યું હતું અને ફૂલહાર કર્યા હતા.

આ ફૂલહારનો પ્રસંગ જોતા જ પરિજનો પણ હરખ ઘેલા બન્યા હતા અને આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કરવા સાથે પોતાની પણ યાદગાર તસ્વીર ક્લિક કરાવવાનું ચૂક્યા ન હતા. સીનીયર સીટીઝન એસોસિએશન તરફથી તમામ દંપતીઓને મોમેન્ટો આપી હતી અને સંઘર્ષ નામનું પુસ્તક પણ આપવામાં આવ્યું હતું. આ અંગે પ્રમુખ ગીરીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજના જમાનામાં તો વિદેશમાં સવારે સગાઈ, બપોરે લગ્ન અને સાંજે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે ત્યારે અમારા સીનીયર સીટીઝનો 60-60 વર્ષ દામ્પત્ય જીવન કેવી રીતે વીતાવતા હશે? આ પ્રશ્નાર્થમાં 28 દંપતીઓ સામે આવ્યા જેમનું અમે અભિવાદન અને સન્માન કરી લગ્નોત્સવની ઉજવણી કરી હતી.

આ સન્માન અને અભિવાદન પ્રસંગમાં મહેમાન તરીકે સી.સી.સેઠ, મહામંત્રી રામા પટેલ, ઉપપ્રમુખ હરગોવિંદ પટેલ, રમીલા શાહ, મંત્રી રહીમ મીર, શિરીષ મિસ્ત્રી, અરવિંદ શાહ, ખજાનચી પરીક્ષિત વખારિયા, રામજી પટેલ, મહેશ પરમાર અને મહેશકુમાર પંડ્યા, કારોબારી સમિતિ સહીત સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here