G20 ઇન્ડિયા પ્રેસીડન્સી અંતર્ગત ગ્લોબલ પાર્ટનરશીપ ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન (GPFI)ની બીજી બેઠક હૈદરાબાદમાં મંગળવારે સંપન્ન થઇ હતી. બેઠકના અંતિમ દિવસે ડિજીટલ નાણાકીય સમાવેશ, એસએમઇ ફાઇનાન્સ અને ડેટા કમ્પેટીબીલીટી પર ચર્ચા થઇ. બેઠકમાં એ ચર્ચા કરવામાં આવી કે GPFI વૈશ્વિક સ્તર પર નાણાકીય સમાવેશને મજબૂત બનાવવા માટેની વ્યૂહરચના નિર્માણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
હૈદરાબાદમાં આયોજિત આ બેઠક દરમિયાન ‘એડવાન્સિંગ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન થ્રુ ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ જેવા પ્રમુખ મુદ્દા પર પણ ચર્ચા થઇ. વૈશ્વિક દક્ષિણની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે જ્ઞાન અને અનુભવ જણાવવા વિશેના કાર્યક્રમમાં ઓછામાં ઓછા 12 દેશોના ઉદ્યોગ પ્રતિનિધિ, બેન્કર અને તજજ્ઞો સામેલ થયા.
આ પહેલા, સોમવારે બેટર ધેન કેશ એલાયન્સના એમડી રૂથ ગુડવિન ગ્રોએને વિશ્વભરમાં નવીન ડિજીટલ ચૂકવણીની પ્રણાલીઓના વિકાસ વિષય પર સત્રમાં સંબોધન કર્યું હતું. આ ઉપરાંત, તેઓએ ડિજીટલ પેમેન્ટ ઇન્ડેક્સ (DPI) વિશે વાત કરી હતી તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની પ્રગતિમાં ગતિ લાવવા અને 2030ના એજન્ડામાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસો અંગે પણ ચર્ચા કરી હતી. RBIએ ડિજીટલ પેમેન્ટ સંબંધિત વિચાર વિમર્શમાં ભાગ લીધો હતો. વૈશ્વિક ભાગીદારીની બીજી બેઠક પહેલા G20 ઇન્ડિયાના મુખ્ય કોર્ડિનેટર હર્ષ શ્રૃંગલાએ હૈદરાબાદમાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં ભારતના અનુભવ વિશે ગ્લોબલ સાઉથના 40થી વધુ દેશો અને ક્ષેત્રીય સંગઠનોના પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું. હૈદરાબાદ પહેલા કોલકાતામાં 9થી 11 જાન્યુઆરી સુધી પ્રથમ G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત GPFI વર્કિંગ ગ્રુપની પહેલી બેઠક થઇ હતી, જ્યાં ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
