સની દેઓલ ગદર ૨ના શૂટિંગના કારણે અમીષા પટેલ હાલ ચર્ચામાં છે. ગદરના શૂટિંગ સાથે પ્રમોશનની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે અમીષાનો જૂનો વિવાદ ચર્ચામાં આવ્યો છે. અમીષાની સામે અગાઉ રૂ.અઢી કરોડના ચીટિંગનો કેસ નોંધાયો હતો. આ કેસની સુનાવણી દરમિયાન રાંચીની કોર્ટે તેમની સામે વોરંટ ઈશ્યૂ કર્યું છે અને કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે. રિપોર્ટ મુજબ, રાંચીની સિવિલ કોર્ટમા અમીષા સામે રૂ.૨.૫૦ કરોડનો ચેક બાઉન્સ થવાના મામલે ચીટિંગનો કેસ ચાલી રહ્યો છે. કેસની સુનાવણી દરમિયાન અમીષા કે તેમના વકીલ હાજર રહ્યા ન હતા. જેના કારણે કોર્ટે વોરંટ જાહેર કર્યું છે અને આગામી સુનાવણીએ હાજર રહેવા હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૫ એપ્રિલે હાથ ધરાશે. ૨૦૧૨ના વર્ષમાં રાંચીના બિઝનેસમેન અજય કુમારે ‘દેશી મેજિક’ ફિલ્મ બનાવવા માટે અમીષાના એકાઉન્ટમાં રૂ.૨.૫૦ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ફિલ્મનું શૂટિંગ થોડા દિવસમાં શરૂ થવાનું હતું. જાે કે આ ફિલ્મ ફ્લોર પર પહોંચી નહીં અને અજય કુમારે અમીષા પટેલ તથા તેમના પાર્ટનર પાસે નાણાં પરત માગ્યા હતા. અમીષા તરફથી દિલાસો અપાયો હતો કે ફિલ્મ બની જશે તો તેમને વ્યાજ સાથે નાણાં પરત મળશે. વિવાદ વધુ વકરતા અમીષાએ બે કરોડનો ચેક અજય કુમારને આપ્યો હતો. આ ચેક બાઉન્સ થતાં અજય કુમારે કોર્ટમાં કેસ કર્યો હતો.
