રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૭૨.૭૨ સામે ૬૦૩૯૧.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૬૮૧.૫૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૧.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૨૭.૭૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૭૪૪.૯૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૪૦.૧૦ સામે ૧૭૭૯૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૩૨.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૨.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૬૬.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વની આજરોજ મીનિટ્સ પૂર્વે વ્યાજ દરમાં વધારો કરવાની નીતિ ચાલુ રહેવાના અંદાજો તેમજ યુરો ઝોનમાં મેન્યુફેકચરીંગ આંકડા નબળા આવ્યા સાથે યુક્રેન મામલે અમેરિકા અને રશિયાની હલચલને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધવાની શકયતાએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે ઉછાળે ફંડોએ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. ઈન્ડેક્સ બેઝડ બે – તરફી અફડાતફડીના અંતે આજે ફંડો દ્વારા નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. યુટિલિટીઝ, કોમોટિડીઝ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, મેટલ, બેન્કેક્સ અને એનર્જી શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ફંડોએ ઈન્ડસ્ટ્રીયલ્સ, કંઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી અને કેપિટલ ગુડ્સ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો.
વૈશ્વિક આર્થિક વૃદ્વિ મંદ પડવાની અર્થશાસ્ત્રીઓની અનુમાન સાથે આજરોજ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવાના અહેવાલ સાથે અગામી દિવસોમાં પણ ઊંચા વ્યાજ દરની નીતિ જાળવશે એવા સંકેત વચ્ચે અને યુરોપના અન્ય દેશો દ્વારા પણ વ્યાજ દરમાં વધારો કરવાના અહેવાલે સેન્ટીમેન્ટ ડહોળાતા સ્થાનિક સ્તરે ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૯૨૭ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૨૭૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૮૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૧.૩૩ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૯% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, કોમોટિડીઝ, ફાઈનાન્સિયલ સર્વિસિસ, મેટલ, બેન્કેક્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કંઝ્યુમર ડ્રિસ્ક્રીશનરી અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૨૫ અને વધનારની સંખ્યા ૯૪૯ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેન્કોની ચોખ્ખી વ્યાજ આવક રેકોર્ડ ૨૫.૫% વધીને રૂ.૧.૭૮ લાખ કરોડ થઈ છે. આ બહેતર ધિરાણ ઉપાડની સ્થિતિ અને લોન પર ઉચ્ચ ઉપજ દર્શાવે છે. બેંકોએ ત્રિમાસિક ગાળા દરમિયાન લોન પર વધુ કમાણી કરી છે. આ ત્રિમાસિક ગાળામાં બેન્કોનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ૦.૧૭% વધીને ૩.૨૮% થયું છે. કેર રેટિંગ્સે જણાવ્યું હતું કે બેંકોએ હાલની લોનનું ઊંચા દરે પુન:મૂલ્યાંકન કર્યું છે અને નવી લોન પર વ્યાજદરમાં વધારો કર્યો છે. બીજી તરફ, તેણે ડિપોઝિટના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં વધારો ખાનગી ક્ષેત્રની બેંકોના નેતૃત્વમાં થયો હતો. તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન વાર્ષિક ધોરણે ૦.૧૫% વધીને ૪.૦૩% પર પહોંચ્યા છે.
તે જ સમયે, જાહેર ક્ષેત્રની બેંકોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન ૦.૧૭% વધીને ૨.૮૫% થયા છે. ચોખ્ખી વ્યાજ આવક એ બેંકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે. તે બેંકો દ્વારા કમાયેલા વ્યાજ અને થાપણો પર ચૂકવવામાં આવતા વ્યાજ વચ્ચેનો તફાવત છે. જવાબદારીઓની પુન: કિંમત નિર્ધારણ આગળ જતાં નેટ ઈન્ટરેસ્ટ માર્જિનને સ્થિર કરશે. લોનની માંગ ઉચ્ચ બે આંકડામાં રહી છે, તેથી હવે કેટલીક અગ્રણી બેંકોએ થાપણદારોને વધુ વળતર આપવાનું શરૂ કર્યું છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષના મે મહિનાથી કી પોલિસી રેટ રેપોમાં ૨.૫૦%નો વધારો કર્યો છે. ફુગાવો રિઝર્વ બેન્કના ૪%ના આરામદાયક સ્તરથી ઉપર રહે છે.
