મહીસાગર જિલ્લામાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ 52 પાટીદાર સમાજઘર મોડાસા રોડ લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેર ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ઉપસ્થિત આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો.કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, સ્વસહાય જુથની મહિલાઓ સ્વાવલંબી બને, આજીવિકામાં વધુ સુધારો આવે અને ગરીબીમાંથી બહાર આવે એ હેતુથી ‘રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના’ની શરૂઆત કરવામાં આવી છે.
ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની મહિલાઓને સ્વસહાય જુથોમાં સંગઠીત કરી તેઓને બચત તથા બેંકો સાથે જોડી વધુ ધિરાણ આપી એક સુવ્યવસ્થિત પ્રક્રિયા દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ અને માર્કેટીંગ સાથે જોડાણ કરી સખી મંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા કેશ ક્રેડિટ આપવામાં આવે છે. વધુમાં કેબિનેટ મંત્રી ડો.કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું કામ સરકાર કરી રહી છે. મહીસાગર જિલ્લાએ મહેસૂલ, માર્ગ-મકાન, આરોગ્ય, પાણી-પુરવઠા, ઊર્જા, શિક્ષણ અને પ્રવાસનની સાથે અનેકવિધ ક્ષેત્રોમાં સર્વગ્રાહી, સર્વાંગી અને સાતત્ય પૂર્ણ વિકાસની એક નવી કેડી કંડારી વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે.
આ કર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે અને આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતા કરી રહી છે. જિલ્લાની બહેનોને પગભર કરવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે તથા તેમને નાણાકીય મદદ પહોંચે તે જરૂરી છે. છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોચાડવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના 225 સ્વ-સહાય જૂથ સખીમંડળની બહેનોને વિવિધ યોજના અંતર્ગત રૂપિયા 218.7 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા લાઈવલીહુડ મેનેજરએ આભાર વિધિ કરી હતી.
કાર્યક્રમના અંતે મંત્રી ડો.કુબેર ડીંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સખીમંડળની બહેનોની સ્ટોલની મુલાકાત લીઘી હતી. કાર્યક્રમમાં લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી લાખાણી, આસિસ્ટન્ટ કલેક્ટર સચિન કુમાર સહીત મોટી સંખ્યામાં સખીમંડળની બહેનોની ઉપસ્થિત રહ્યા હતા.
