રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૦૭૪.૬૮ સામે ૫૮૨૪૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૦૬૩.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૫.૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯.૯૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૨૧૪.૫૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૬૦.૧૫ સામે ૧૭૨૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૧૪૨.૧૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૪.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૮૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારોમાં રિકવરી પાછળ આજે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. અમેરિકા, યુરોપમાં પાછલા ૧૧ દિવસમાં ૧૧ બેંકોના પતનના પરિણામે વૈશ્વિક શેરબજારોમાં બેંકિંગ, ફાઈનાન્સ કંપનીઓના શેરો પાછળ સર્જાયેલી મોટી કટોકટી બાદ આ વંટોળથી બોન્ડસ માર્કેટમાં મોટી ઉથલપાથલ સાથે રોકાણકારોએ રોકાણ પાછું ખેંચવાની હોડ લગાવ્યા સામે ફરી ઈક્વિટી બજારોમાં સક્રિયતા વધતાં વૈશ્વિક બજારોમાં સુધારાની રાહે આજે ભારતીય શેરબજારમાં બેંકિંગ શેરોની આગેવાનીએ ફોરેન ફંડોના શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોએ મોટી ખરીદી કરતાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.
ફેડ રિઝર્વ દ્વારા આજે સાંજે નીતિગત નિર્ણયો પહેલાં શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો હતો. ચાલુ ટ્રેડિંગ સપ્તાહના પહેલા સત્રના ત્રીજા દિવસે બુધવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી નજીવા સુધારા સાથે સતત બીજા દિવસે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ સંકેત સાથે એશિયાના બજારમાં મજબૂતી જોવા મળી હતી. યુરોપના બજારોમાં ડોઈશ બેંક, કોમર્સબેંક સહિતની બેંકોના શેરોની આગેવાનીએ તેજી સાથે અમેરિકી બજારોમાં ગઈકાલે રિકવરી સાથે આજે એશીયાના દેશોના બજારોમાં ઝડપી સુધારો આવ્યો હતો. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૦૯ લાખ કરોડ વધીને રૂ.૨૫૭.૯૮ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, રિયલ્ટી અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૦ અને વધનારની સંખ્યા ૨૦૩૮ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફુગાવાને અંકુશમાં લેવાની કવાયતમાં વ્યાજ દરોમાં કરાયેલો તીવ્ર વધારો વિશ્વની બેંકિંગ, ફાઈનાન્શિયલ વ્યવસ્થાને ફરી અસ્થિરતામાં ધકેલી રહ્યો છે. અમેરિકામાં બેંકોને તાળા લાગવા સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે નવી કટોકટી મોટી મંદીનું જોખમ ઊભું થયું છે. અત્યારે આ વિકસીત વિશ્વની તુલનાએ ભારતીય બજારો અને બેંકિંગ વ્યવસ્થા તુલનાત્મક વધુ સુરક્ષિત હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર આશ્વાસન આપી રહ્યા છે પરંતુ અમેરિકા અને યુરોપની આ કટોકટી વધુ વકરવાના સંજોગોમાં ભારતીય સિસ્ટમ અને બજારોમાં પણ આ સંકટમાંથી બાકાત રહી શકશે નહીં, નવો વિદેશી રોકાણ પ્રવાહ વધુ રૂંધાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતીય બજારોમાં કરેકશનનો દોર ટૂંકાગાળા માટે આગળ વધતો જોવાશે.
વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ વચ્ચે અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટી(એફઓએમસી) અને બેંક ઓફ ઈંગ્લેન્ડની મળનારી મીટિંગ પર નજર રહેશે. ફુગાવો ઘટતાં અને બેંકોના સંકટ વચ્ચે અમેરિકામાં ફેડરલ વ્યાજ દરમાં આ વખતે અડધા ટકાના બદલે ૦.૨૫%નો વધારો કરે અથવા વ્યાજ દર મોકૂફ રાખીને સંકટમાં રાહત આપે એવી શકયતા છે. જેથી આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં અનિશ્ચિત ચાલ જોવા મળી શકે છે.
