રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૨૧૪.૫૯ સામે ૫૮૦૬૧.૪૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૮૩૮.૮૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૫૭.૩૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૯.૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૯૨૫.૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૮૫.૦૦ સામે ૧૭૧૨૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૬૬.૯૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૭.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૮૭.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બેંકિંગ – ફાઈનાન્શિયલ બજારોમાં કટોકટી વકરતાં અને અસ્થિરતાને શાંત કરવાના પ્રયાસમાં હવે યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડની ક્રેડિટ સૂઈસને ૩.૨૫ અબજ ડોલરમાં યુબીએસ દ્વારા ટેકઓવર કરવાના નિર્ણય છતાં ક્રેડિટ સ્વિસના ૧૭ અબજ ડોલરના બોન્ડસ ધારકોએ નાહીં નાખવાનો વખત આવવાના અહેવાલે વૈશ્વિક બોન્ડ્સ માર્કેટમાં કડાકા વચ્ચે વિશ્વાસની કટોકટી વચ્ચે આજે ભારતીય શેરબજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનની સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી તેમજ રિયલ્ટી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ટેક શેરોમાં ફંડોના ભારે પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ હવે પૂરું થવામાં છે, ત્યારે આ વિદાય લેતાં વર્ષમાં યુક્રેન સહિત જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકા, યુરોપની વૈશ્વિક બનેલી બેંકિંગ કટોકટીના પરિણામે રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ ગોલ્ડ – સોના તરફ વળ્યા છે. પાછલા બે વર્ષ પૂર્વે કોરોના મહામારીના પરિણામે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં મોટી તેજી આવી હતી અને રોકાણકારોને શેરોમાં ઊંચું વળતર મળ્યું હતું. પરંતુ ત્યાર બાદ યુક્રેન – રશિયા મામલે જીઓપોલિટીકલ ટેન્શન અને ફુગાવાના કારણે વ્યાજ દરોમાં તેજીના પરિણામે હવે અમેરિકા, યુરોપના દેશોમાં બેંકોના થયેલા ઉઠમણાંના પરિણામે વૈશ્વિક બેંકિંગ – ફાઈનાન્શિયલ કટોકટી સર્જાવાના ફફડાટમાં પરિણામે ભારતીય શેરબજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે.ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૬ લાખ કરોડ ઘટીને રૂ.૨૫૭.૧૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, એફએમસીજી, મેટલ, હેલ્થકેર, ઓટો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૫૩ અને વધનારની સંખ્યા ૧૪૫૨ રહી હતી, ૧૨૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારે વોલેટિલિટી તથા નબળા વળતરને પરિણામે દેશના શેરબજારોમાં ઈક્વિટીઝ કેશ સેગમેન્ટસમાં નાના રોકાણકારોનો રસ ઘટી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ છેલ્લા એક વર્ષથી ભારત સહિત વિશ્વના શેરબજારોમાં વળતર નબળા જોવાઈ રહ્યા છે. કોરોનાના કાળમાં રિટેલ રોકાણકારો દ્વારા શેરબજારમાં કામકાજમાં વધારો જોવા મળ્યો હતો. શેરબજારમાં નબળા વળતરની સામે ઋણ સાધનો પર ઊંચા વ્યાજ દરો તથા ફુગાવાની સ્થિતિને કારણે પણ રિટેલ રોકાણકારો ઋણ સાધનો તરફ વળી રહ્યા છે.
દેશના શેરબજારોમાં વર્તમાન નાણાં વર્ષમાં દૈનિક સરેરાશ કેશ વોલ્યુમ્સ ગયા નાણાં વર્ષની સરખામણીએ ૨૦% જેટલું ઘટયું છે. છેલ્લા ૧૧ વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે. ફુગાવો નીચે જવા સાથે અને વ્યાજ દરમાં સ્થિરતા બાદ રિટેલ રોકાણકારો ફરી બજારમાં સહભાગ લેતા થશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. બીજી બાજુ ડેરિવેટિવ સેગમેન્ટસમાં ગયા વર્ષથી દર મહિને વોલ્યુમ્સમાં ઓલ ટાઈમ હાઈ સપાટી જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં ડેરિવેટિવ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ.૧૫૦.૬૭ લાખ કરોડ રહ્યું હતું, જે ગયા નાણાં વર્ષમાં રૂ.૬૮.૩૫ લાખ કરોડની સરખામણીએ ૧૨૦% વધુ છે.
